- આ સવાલો દેશદ્રોહના કાયદાને પડકારતી એક અરજીની સુનવણી દરમિયાન પુછાયા છે જેમાં કોર્ટે આઝાદીના 75 વર્ષ પછી અંગ્રેજો દ્વારા બનાવાયેલા દેશદ્રોહના કાયદાની શું જરુરિયાત છે તેવા સવાલ કર્યા છે.
- કોર્ટે એવી ટિપ્પણી પણ કરી હતી કે દેશના સ્વંતત્ર સેનાનીઓને ચૂપ કરાવવા માટે બ્રિટિશરોએ જે કાયદાનો ઉપયોગ કર્યો તેને હવે નાબૂદ કેમ નથી કરાયો?
- સુપ્રીમ કોર્ટે આ સુનવણી દરમિયાન આઇટી એક્ટની કલમ 66-એ ને નાબૂદ કરાયા બાદ પણ 6 વર્ષ સુધી તેનો દુરુપયોગ થયો હોવાનું જણાવ્યું હતું.
- ભારતમાં Indian Penal Code (IPC) / ભારતીય દંડ સંહિતાની કલમ 124A માં દેશદ્રોહની પરિભાષા અપાઇ છે જેના મુજબ કોઇપણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ કંઇ બોલે, લખે અથવા અથવા સરકાર વિરોધી વાતનું સમર્થન કરે તેના પર દેશદ્રોહનો આરોપ મુકી શકાય છે જેના માટે આજીવન કેદ સુધીની સજાની જોગવાઇ છે.
- ભારતમાં 2014 થી 2019 વચ્ચે 326 દેશદ્રોહના કેસ થયા છે તેમજ 559 આરોપીઓની ધરપકડ થઇ છે.
- નવાઇની વાત એ છે કે આટલા કેસોમાં ફક્ત 10 આરોપીઓ જ કોર્ટમાં દોષી ઠર્યા છે!
- વર્ષ 2014 થી 2020 દરમિયાન ભારતમાં 149 વ્યક્તિઓ પર વડાપ્રધાન સામે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ, 144 લોકો પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ટિપ્પણી બદલ, 6 લોકો પર ખેડૂત આંદોલન દરમિયાન, 25 લોકો પર CAA કાયદા વિરોધી આંદોલન દરમિયાન તેમજ 27 લોકો પર પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશદ્રોહના કેસ નોંધાયા છે.
