- આ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
- આ પ્રસંગે વડાપ્રધાન દ્વારા રુ. 75નો એક સિક્કો પણ પ્રસિદ્ધ કરવામાં આવશે જેને ખાસ આ પ્રસંગ માટે બનાવાયો છે.
- નવા સંસદ ભવનની આધારશીલા ડિસેમ્બર, 2020માં રાખવામાં આવી હતી.
- હાલના સંસદ ભવને વર્ષ 2021માં 100 વર્ષ પૂર્ણ કર્યા હતા.
- વર્ષ 2012માં લોકસભા સ્પીકર મીરા કુમારે સૌપ્રથમ નવા સંસદ ભવનની માંગ રાખી હતી.
- નવા સંસદ ભવનના નિર્માણનો ખર્ચ લગભગ 970 કરોડ રુપિયા થયો છે જેમાં ચાર માળ તેમજ 1,224 લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
- નવી ઇમારતનો આકાર ત્રિકોણ રખાયો છે.
- આ ઇમારતની સંરચના ત્રણ વિષયો પર આધારિત રખાઇ છે જેમાં રાષ્ટ્રીય ફૂલ (કમળ), રાષ્ટ્રીય પક્ષી (મોર) અને રાષ્ટ્રીય વૃક્ષ (વડ) નો સમાવેશ થાય છે.
- નવી ઇમારતની છતો પર ફ્રેસ્કો પેઇંટિંગ, દિવાલો પર શ્લોકોનું વર્ણન તેમજ સ્ટ્રક્ચર પર રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન લગાવાયા છે.
- નવી ઇમારતનું બાંધકામ ટાટા પ્રોજેક્ટ્સ દ્વારા તેમજ તેની ડિઝાઇનનું કામ અમદાવાદની HCP ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ દ્વારા કરાયું છે.
- નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે હવન પૂજા કરવામાં આવી છે જેમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા યજમાન બન્યા હતા.
- આ હવનમાં મંત્રોચ્ચાર માટે તમિલનાડુથી સંતોને બોલાવાયા છે.
- ઉદ્ઘાટન દરમિયાન સર્વધર્મ સભામાં હિન્દુ સહિત બૌદ્ધ, જૈન, પારસી, શિખ, મુસ્લિમ, ઇસાઇ વગેરે ધર્મના ધર્મગુરુઓએ પોતાની પ્રાર્થના કરી હતી.
- ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનો દેશના 20 રાજકીય પક્ષો દ્વારા બહિષ્કાર કરાયો છે જેનું કારણ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિને બદલે વડાપ્રધાન દ્વારા કરાયું હોવાનું છે.
સેંગોલ:
- સેંગોલ શબ્દની ઉત્ત્પતિ તમિલ શબ્દ 'સેમ્મઇ' થી થઇ છે જેનો અર્થ 'નીતિપરાયણતા" થાય છે.
- સેંગોલ એક દંડ હોય છે જે પ્રાચીન ચોલ શાસનથી જોડાયેલો છે. સેંગોલને પ્રાચીનકાળમાં રાજદંડ તરીકે ઓળખવામાં આવતો હતો.
- આ દંડ ફક્ત સત્તાનું પ્રતિક જ નહી પરંતું રાજાને હંમેશા ન્યાયશીલ બની રહેવા માટે યાદ અપાવે છે.
- જે સેંગોલની સ્થાપના નવા સંસદ ભવનમાં કરવામાં આવી છે તેનો ઇતિહાસ ભારતની આઝાદી સાથે પણ જોડાયેલો છે.
- જ્યારે ભારત બ્રિટિશ રાજમાંથી આઝાદ થયું ત્યારે સત્તાના હસ્તાંતરણના પ્રતિક સ્વરુપે આ સેંગોલ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુંને સોંપાયો હતો.
- સેંગોલનો ઇતિહાસ 5000 વર્ષથી પણ જૂનો છે, રામાયણ અને મહાભારતની કથાઓમાં પણ જ્યારે રાજાઓનું રાજતિલક થતું ત્યારે આ પ્રકારના પ્રતિક સોંપવામાં આવતા હતા.